Googleના સબિન બૉર્સે અને ડેવિડ રોજર Chrome બ્રાઉઝરને ડેવલપ કરી રહ્યાં છે

Chromeમાં તમારી પોતાની જગ્યા

Chrome બ્રાઉઝરના વાસ્તવિક વપરાશને કારણે નવીનીકરણ માટે મળેલી પ્રેરણા. Google Safety Engineering Centerના સબિન બૉર્સે અને ડેવિડ રોજર Chrome પ્રોફાઇલની નવી સુવિધા વિશે તેમના પ્રયાસોના સહયોગનું વર્ણન કરે છે.

Chromeની નવી પ્રોફાઇલનો એક સ્ક્રીનશૉટ

ડેવિડ રોજર જણાવે છે, “મારો સંપૂર્ણ પરિવાર એક અમારી વચ્ચે શેર કરેલા કમ્પ્યુટર પર લાંબા સમયથી Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યો છે,” જે Googleની પેરિસ ઑફિસમાં સૉફ્ટવેર ડેવલપર તરીકે કામ કરે છે. “ક્યારેક તો, અમે એકસાથે 50 જેટલી વેબસાઇટ ખોલીએ છીએ. દાખલા તરીકે, જ્યારે હું તાજેતરમાં જોયેલો YouTube વીડિયો શોધવાનો પ્રયાસ કરી રહ્યો હોઉં છું, ત્યારે મને શોધ ઇતિહાસમાં Minecraftની વીડિયો ક્લિપ્સ પણ જોવા મળે છે – જે ખુબ જ અસ્તવ્યસ્તતા છે.” આવી સમસ્યાનો અનુભવ માત્ર ડેવિડને જ થઈ રહ્યો છે એ સંભાવના નહીંવત્ત છે. પરિવારો માટે એક કમ્પ્યુટર તથા એક જ Chrome બ્રાઉઝરનો વપરાશ કરવો, એ અસામાન્ય નથી. કોરોના વાયરસના રોગચાળા દરમિયાન તો આવું ખાસ બનવા પામ્યું છે. માતાપિતા, વાલીઓ અને તેમના બાળકો વાંચન, સંશોધન તેમજ મનોરંજન એક જ સમયે કરી રહ્યાં હોય છે. વ્યક્તિગત સેટિંગ્સ જતા રહે અથવા શોધ ઇતિહાસ એકબીજામાં મિશ્રિત થઈ જાય, ત્યારે ખરેખર મૂંઝવણ ઊભી થઈ શકે છે.

ડેવિડ રોજર Googleની પેરિસ ઑફિસમાં કામ કરે છે

“નુસખા વધારે કરીને એવા લોકો પાસેથી આવે છે, જેઓ પ્રોડક્ટની ઘણા નજીક હોય.”

ડેવિડ રોજર, સૉફ્ટવેર ડેવલપર.

ડેવિડ રોજર શેના વિશે વાત કરી રહ્યાં છે, તે સબિન બૉર્સે બરાબર જાણે છે. Googleના પ્રાઇવસી અને ઇન્ટરનેટની સુરક્ષિતતાના વૈશ્વિક ડેવલપમેન્ટ કેન્દ્ર Google Safety Engineering Center (GSEC) મ્યુનિકમાં તેઓ પ્રોડક્ટ મેનેજર છે. તેઓએ આ વિશિષ્ટ સમસ્યાને GSECના 'ટૅક ડેઝ'માં રજૂ કરી હતી, જેનું આયોજન ક્રૉસ-ફંક્શનલ ટીમને નીતનવા પડકારોની શ્રેણી પર સાથે મળીને કામ કરવાની તક આપવા માટે થાય છે. આવા જ કોઈ શુભ દિવસે વ્યક્તિગત Chrome પ્રોફાઇલ્સ બનાવવાનો વિચાર સ્ફૂર્યો હતો. આ સુવિધા હવે Chromeમાં ઉપલબ્ધ છે તેમજ તે પ્રત્યેક વપરાશકર્તાને કોઈ મનગમતી પ્રોફાઇલ બનાવવાની મંજૂરી આપે છે, જે પ્રત્યેક વેળાએ બ્રાઉઝર ખોલતી વખતે પસંદ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, તમે બૅકગ્રાઉન્ડના રંગ બદલી શકો છો તથા બુકમાર્ક અને પાસવર્ડને વ્યક્તિગત રીતે ગોઠવી અને સાચવી શકો છો.

પ્રારંભિક વિચારથી લઈને અંતિમ અમલીકરણ સુધી, Chrome પ્રોફાઇલ ડેવલપ કરવાની આ પ્રક્રિયાના ઊંડાણમાં ડોકિયું કરવું રસપ્રદ રહેશે. સબિન બૉર્સે જેવા પ્રોડક્ટ મેનેજર Chrome બ્રાઉઝર જેવી કોઈ ચોક્કસ ઍપ્લિકેશન પર દરરોજ કામ કરતા હોય છે. “આગલા થોડા વર્ષોમાં Chromeનું ડેવલપમેન્ટ કેવી રીતે થવો જોઈએ, તેના પર અમે ધ્યાન આપીએ છીએ. અમારે કેવા પ્રકારની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમજ નિરાકરણોને એકીકૃત કરવાની રીત વિશે પણ અમે ચર્ચાવિચારણા કરીએ છીએ,” સબિને આગળ વધતા જણાવ્યું. ડેવિડ રોજર આ બાબતમાં સંમત થતા જણાવે છે, “અમારું મોટા ભાગનું કામ આપણા જીવનમાં ઘટતી બાબતો આધારિત જ હોય છે.” “Googleમાં અમારા મોટા ભાગના પ્રોજેક્ટની શરૂ થવાની રીત લગભગ આવી જ હોય છે અને આવા નુસખા વધારે કરીને એવા લોકો પાસેથી આવે છે, જેઓ પ્રોડક્ટની ઘણા નજીક હોય.”

એકવાર સબિનને Chrome પ્રોફાઇલ પર કામ કરવાની લીલી ઝંડી મળી ગઈ કે તેણે ડેવિડ રોજરની ટીમમાંના વપરાશકર્તા અનુભવના નિષ્ણાતો અને ડેવલપર સહિત વિવિધ વિભાગોમાંથી દસ લોકોની એક ટીમ બનાવી. ડેવિડ દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી Chromeને ડેવલપ કરવા પર કામ કરી રહ્યા હતાં, તેમજ યૂઝર ઇન્ટરફેસની ડિઝાઇન કરવા સહિત વિવિધ પ્રોજેક્ટમાં ગળાડૂબ હતા. તેમની ટીમ દ્વારા Chromeની પ્રોફાઇલનું એક માળખું બનાવવામાં આવ્યું, જેનું પરીક્ષણ ખાસ ચુનંદા વપરાશકર્તા ગ્રૂપ પાસે કરાવવામાં આવ્યું.

દરમિયાન, એવા જૂથના લોકો કે જેઓ ખાનગીમાં, કામ પર અથવા અન્ય વપરાશકર્તાઓ સાથે Chromeનો ઉપયોગ કરતા હોય, તેઓને ઓળખવા માટે સબિને, વપરાશકર્તા વિશે સંશોધન કરનારા નિષ્ણાતો સાથે કામ કર્યું. “તેઓના અનુભવો વિશે તેઓના આમને-સામને ઇન્ટરવ્યૂ ઉપરાંત, અમે તેમને બે મહિના માટે Chrome પ્રોફાઇલના તેમના ઉપયોગની રીત વિશે કોઈ ડાયરી રાખવા જણાવ્યું.” આ વપરાશકર્તાઓને ઍપ્લિકેશનનો જે કોઈ ભાગ સમજવામાં સમસ્યા આવી, ત્યારે તેમણે શું કર્યું અને શું નહીં તેનું વર્ણન કરવા પ્રોફાઇલ ટીમે તેમને જણાવ્યું.

Google પ્રોડક્ટ મેનેજર, સબિન બૉર્સે

“આગલા થોડા વર્ષોમાં Chromeનું ડેવલપમેન્ટ કેવી રીતે થવું જોઈએ, તેના પર અમે ધ્યાન આપીએ છીએ.”

સબિન બૉર્સે, પ્રોડક્ટ મેનેજર

પેરિસમાં, ડેવિડે Chromeના બેટા વપરાશકર્તાઓના ડેટાનું વિશ્લેષણ કર્યું. Chrome બેટાના વપરાશકર્તાઓને અન્ય વપરાશકર્તાથી પહેલાં નવી સુવિધાઓ અજમાવવાની તક મળે છે તથા પ્રોડક્ટના ડેવલપમેન્ટ હેતુસર Googleને વપરાશનો ડેટા આપવા માટે તેઓ સંમત થઈ શકે છે. Chrome બેટાના લાખો વપરાશકર્તા પાસેથી એકત્રિત કરેલી માહિતીથી Chrome પ્રોફાઇલના ડેવલપમેન્ટમાં ઘણી સહાય મળી છે. ઉદાહરણ તરીકે, અમુક લોકોને કોઈ ચોક્કસ બટન પર ક્લિક કરવામાં સમસ્યા આવી રહી હતી જ્યારે અમુકને વર્ણનાત્મક લખાણ સમજવામાં સમસ્યા થઈ રહી હતી. ડેવિડ સમજાવે છે કે આ પ્રકારના પ્રતિસાદના આધારે પ્રોડક્ટમાં ફેરફારો અને સુધારણાઓ થઈ શકે છે, તેમજ ડિજિટલ પ્રોડક્ટ ડેવલપ કરતી વખતે આવી પુનરાવર્તિત કાર્ય પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. વપરાશકર્તાઓને કોઈ માળખાનો ઍક્સેસ આપવામાં આવે છે તેમજ સંભવિત સમસ્યાઓ માટે પ્રતિસાદ આપવાનું તેમને કહેવામાં આવે છે. તે પછી, ડેવલપર પ્રોડક્ટમાં સુધારા-વધારા કરે છે અને તેને ફરીથી પરીક્ષણ માટે રજૂ કરે છે.

પરીક્ષણ દરમિયાન અમુક ચોક્કસ સમસ્યાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમ કે Chrome શરૂ કરતી વખતે ઘણું ધીમું હોવું. આને કારણે જ ડેવિડને તેમની ડેવલપર ટીમને 'હૅકેથોન' માટે ભેગી કરવાનો વિચાર સ્ફૂર્યો. “અમે આખા અઠવાડિયા માટે અમારી સંપૂર્ણ ઊર્જા માત્ર બ્રાઉઝરને ફરીથી ઝડપી બનાવવા પર આપી.” ટીમ દ્વારા સંખ્યાબંધ સંભવિત પદ્ધતિઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો. ડેવિડે આગળ વધતા કહ્યું કે “છેવટે અમે વિવિધ ટેક્નોલોજીની ઓળખ કરી, જેને અમે અમારા મ્યુનિકના સહકર્મચારીઓ સાથે શેર કરી.”

ડેવિડ રોજરના સ્માર્ટફોનમાં આવી દેખાય છે Chromeની નવી પ્રોફાઇલ

પ્રત્યેક વપરાશકર્તા Chrome બ્રાઉઝરમાં કોઈ વ્યક્તિગત પ્રોફાઇલ બનાવી શકે છે. સૉફ્ટવેર ડેવલપર ડેવિડ રોજર પ્રોડક્ટ મેનેજર સબિન બૉર્સે સાથેના તેમના સહયોગના પરિણામો બતાવે છે.

પ્રોજેક્ટના આ તબક્કાની સબિન ઘણી મધુર યાદગીરીઓ ધરાવે છે. “કોઈ સમયે અમે કોઈ સ્ટાર્ટ-અપ કંપનીની જેમ કામ કરીએ છીએ. અમે ઘણી બધી બાબતો અજમાવીએ છીએ, એકબીજાની સાથે રોજ વાતો કરીએ છીએ અને શ્રેષ્ઠ નિરાકરણો શોધવા પર જોર આપીએ છીએ.” જુદી જુદી Chrome પ્રોફાઇલનો ઉપયોગ કરવાની ક્ષમતા હમણાં જ તાજેતરમાં લાઇવ થઈ છે, પરંતુ સબિન બૉર્સે અને ડેવિડ રોજરની આગેવાની ધરાવતી ટીમ માટે કામ હજી પણ અધૂરું જ છે. ડેવિડનો પરિવાર, જેમાં હરેક પોતાની વ્યક્તિગત Chrome પ્રોફાઇલ ધરાવે છે, તેઓના સહિતના તથા બીજા પ્રતિસાદ અને સુધારણા માટે સુઝાવોના આધારે, આ ટીમ પ્રોડક્ટ પર હજી પણ કામ આગળ ધપાવી રહી છે.

Photos: સ્ટેફની ફુસેનિખ (4), ફ્લૉરિયન જૅનરૉસ્કી (3).

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.

વધુ જાણો