તમે જે બનાવો છો, તેને લોકો કેવો પ્રતિસાદ આપે છે તે સમજવું.

વપરાશકર્તા અનુભવના સંશોધકો, લોકોની પ્રોડકટ્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની રીતનો અભ્યાસ કરે છે. Arne de Booijની સ્પેશિયાલિટી વપરાશકર્તા અનુભવ અને ઑનલાઇન પ્રાઇવસીમાં છે. Stephan Micklitz, પ્રાઇવસી અને સુરક્ષાના એન્જિનિયરિંગ ડિરેક્ટર છે અને તેમનું ફોકસ પ્રાઇવસી અને સુરક્ષાના ટૂલ્સ વિકસિત કરવાનું છે.

Arne de Booij, Googleમાં વપરાશકર્તા અનુભવના સંશોધનકર્તા તરીકે વપરાશકર્તાઓની પ્રાઇવસી અને સુરક્ષા ટૂલ સાથેની ક્રિયાપ્રતિક્રિયાનું તમે વિશ્લેષણ કરો છો. એ વિશે તમે શું જાણકારી મેળવી છે?

Arne de Booij, Google UX રિસર્ચ મેનેજર: આ સાવ સ્વાભાવિક લાગતું હશે, પરંતુ લોકો ઑનલાઇન સુરક્ષિત અને સલામત હોવાનું અનુભવવા માગે છે. તેઓ ઇચ્છે છે કે તેમનો ડેટા ખાનગી રાખવામાં આવે. તાજેતરના વર્ષોમાં, જેમ જેમ ઇન્ટરનેટનું કદ અને જટિલતા વધતી ગઈ તેમ તેમ લોકો તેમની સલામતી વિશે તેમજ શું તેઓની પ્રાઇવસી પર્યાપ્ત રીતે સુરક્ષિત રહે છે કે નહીં, તે વિશે પ્રશ્ન અનુભવતા થયા છે. આજકાલ જે રીતે આપણે ઇન્ટરનેટનો જેટલો વ્યાપક ઉપયોગ કરીએ છીએ તેમજ ડેટા લીક થવા જેવી ઘણી સ્ટોરી વાંચતા હોઈએ, ત્યારે આવા વાજબી પ્રશ્નો પૂછવા ઘણા સાહજિક કહેવાય.

વાતચીતમાં: Arne de Booij (ડાબે), UX સંશોધનકર્તા અને Stephan Micklitz, સૉફ્ટવેર એન્જિનિયર

અને જ્યારે પ્રાઇવસી અને સુરક્ષાની વાત આવે, ત્યારે વાસ્તવિકતામાં લોકોની ઑનલાઇન વર્તણૂક કેવી હોય છે?

De Booij: અમે છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરમાં એકથી વધુ દેશોમાં લોકો સાથે અભ્યાસ કર્યો છે અને બધાની પાસેથી સાંભળ્યું છે કે તેમના માટે પ્રાઇવસી ખરેખર કેટલી મહત્ત્વની છે. હમણાં સુધીના ઇતિહાસ પ્રમાણે વાસ્તવમાં લોકો પ્રાઇવસી વિશેની માહિતી વાંચવામાં કે તેઓના પ્રાઇવસી સેટિંગની ગોઠવણી કરવા માટે વધારે સમય ફાળવતા નથી. અન્ય અભ્યાસોમાં જોવા મળ્યું છે કે લોકો અજાણી વેબસાઇટ પર તેઓની સંપર્ક વિગતો દાખલ કરતા પહેલાં જરા પણ અચકાતા નથી – ઉદાહરણ તરીકે, કોઈ સ્પર્ધામાં ભાગ લેવા માટે. તેથી એ Google જેવી કંપનીની જવાબદારી બની જાય છે કે અમે ડેટાનો વપરાશ કરવાની રીત વિશે સ્પષ્ટતા કરવાનો આગ્રહ રાખીએ અને તેઓ જાતે મેનેજ કરી શકે એવા ઉપયોગ કરવામાં સરળ કોન્ટ્રોલ્સ વડે લોકોને તેમના માટે શ્રેષ્ઠ એવો ઑનલાઇન અનુભવ અમે પ્રદાન કરી શકીએ.

"લોકો સરળતાથી સમજી શકે તેવી ભાષામાં સમજાવવાનું આપણું કામ છે."

Arne de Booij

Stephan Micklitz, ડેટા પ્રાઇવસી અને સુરક્ષાની જવાબદારી જેમના માથે હોય, એવી વ્યક્તિ હોવાને લીધે તમે આના પરથી શું તારણો કાઢી શકો?

Micklitz: અમારું લક્ષ્ય તો એવી સેવાઓ ડેવલપ કરતા રહેવાનું છે જે વપરાશકર્તાઓને તેમના પોતાના ડેટાનો નિયંત્રણ આપે. ડેટા પ્રાઇવસી અને સુરક્ષા એવા વિષયો છે જેના પર કોઈ સમસ્યા ઊભી ન થાય, ત્યાં સુધી લોકો તેના પર ધ્યાન આપવાનું ટાળે છે – ઉદાહરણ તરીકે, જ્યારે તેમનું એકાઉન્ટ હૅક કરવામાં આવે કે તેઓ સમાચારમાં કંઈક આપત્તિજનક થયું હોવાનું વાંચે. મહત્ત્વની વાત એ છે કે આવી પળોએ લોકો જાણે છે કે તેમની ઑનલાઇન પ્રવૃત્તિ કેવી રીતે ચેક કરવી અને જો જરૂર જણાય તો તેમનો પાસવર્ડ કેવી રીતે બદલવો.

De Booij: હકીકત તો એ છે કે સવારના ઉઠીને કોઈપણ વ્યક્તિ વિચાર કરતી નથી કે “ચાલો, હું હમણાં જ મારા Google એકાઉન્ટના મારા પ્રાઇવસી સેટિંગ ચેક કરું તો સારું રહેશે”. આવું તો કદાપિ થતું નથી. ડેટા પ્રાઇવસી અને સુરક્ષા એવી બાબતો છે જે આપણે મોટાભાગના પછીના માટે જ બાકી રાખીએ છીએ. આ જ તો કારણ છે કે અમે તાજેતરના વર્ષોમાં લોકોને તેમના સેટિંગ નિયમિત રીતે ચેક કરતા રહેવાનું સૂચન કરીએ છીએ.

તો તમને બહેતર પ્રોડક્ટ વિકસિત કરવામાં સહાય આપનારી જાણકારીઓ તમે કેવી રીતે મેળવો છો?

De Booij: એના માટે વિકલ્પોનો તો ભંડાર છે. લોકો Google એકાઉન્ટ જેવી કોઈ ઍપ્લિકેશન કેવી રીતે નૅવિગેટ કરે છે તેનું વિશ્લેષણ કરવા માટે, ઑનલાઇન સર્વેક્ષણો ઘણા ઉત્તમ છે. જો તમે અભિપ્રાયો અને મનોભાવો વિશે જાણવા માગતા હો, તો વ્યક્તિગત ઇન્ટરવ્યૂથી બહેતર કંઈ હોઈ શકે નહીં. સાંસ્કૃતિક તફાવતો વિશે વધુ જાણવા માટે, અમે વિશ્વભરમાં સર્વેક્ષણો કરીએ છીએ – શેરીઓમાં, માર્કેટ રિસર્ચ સ્ટુડિયોમાં અથવા તો વપરાશકર્તાઓના ઘરમાં પણ. આમાં છેલ્લો ભાગ ઘણો રસપ્રદ છે કારણ કે તે વખતે લોકો પાસે તેઓના પોતાના ડિવાઇસ અને ડેટાનો ઍક્સેસ હોય છે, તેથી વપરાશકર્તાની વર્તણૂક વધુ આધારભૂત રહી શકે છે.

Arne de Booij (ડાબે) એ યુનિવર્સિટી ઑફ ગ્રોનિંગનમાં ઍક્સપરિમેન્ટલ સાયકોલોજીમાં MAની ડિગ્રી તેમજ આઇંડહોવનની યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગમાં પ્રોફેશનલ ડૉક્ટરેટની પદવી મેળવી હતી. એમના કહેવા પ્રમાણે: “UX સંશોધનકર્તાઓ સુનિશ્ચિત કરે છે કે વપરાશકર્તાઓની જરૂરિયાતો ઓળખવામાં આવે”.

શું તમારી પાસે આનું કોઈ ઉદાહરણ છે?

De Booij: એકવાર, મારા કેટલાક સહકર્મીઓએ જાપાનમાં કોઈ મહિલા સાથે તેના Google એકાઉન્ટ વિશે વાત કરવા માટે તેના ઘરની મુલાકાત લીધી. આ સેવાથી તે વધુ પરિચિત ન હતી પણ જેવું તેણે તેનું એકાઉન્ટ ખોલ્યું કે અત્યંત સાહજિકતાથી મૉનિટર અમારાથી દૂર ફેરવી દીધું. પરંતુ Google એકાઉન્ટની કાર્ય કરવાની, માહિતી ડિલીટ કરવાની તેમજ Google કયો ડેટા કેવી રીતે વાપરી શકે તે નક્કી કરવાની રીત જાણીને તેને ઘણું સુખદ આશ્ચર્ય થયું હતું.

Stephan Micklitz, શું તમે પણ ઇન્ટરવ્યૂમાં આવા અવલોકન કર્યા છે?

Micklitz: હા! ઉદાહરણ તરીકે, હમણાં જે Google એકાઉન્ટ તરીકે ઓળખાય છે તેનો પ્રોટોટાઇપ બનાવતી વખતે, અમે તેનું પરીક્ષણ કરવા માગતા હતા અને લોકોની પ્રતિક્રિયા જોવા ઇચ્છતા હતા. પહેલા સહભાગી પેજ ખોલીને સ્ક્રીનને ઘણી વાર સુધી કંઈપણ કર્યા વિના, બસ તાકતા જ રહ્યાં. પછી બીજી વ્યક્તિ આવી અને તેમની પ્રતિક્રિયા પણ કંઈક આવી જ રહી. મેં વિચાર્યું, “ઓકે, મેં જેવો વિચાર કર્યો હતો, તેવું તો કંઈ થઈ રહ્યું નથી”. એ વાત તો સાફ હતી કે તેઓ Google Dashboard વિશે કંઈ સમજી શક્યા નહીં.

"ડેવલપમેન્ટની પ્રક્રિયામાં UX સંશોધન ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

Stephan Micklitz

શું પરિણામે તમે યૂઝર ઇન્ટરફેસ પર ફરીથી કામ કર્યું હતું?

Micklitz: ઘણી વાર! અમે અમારું કાર્ય આગળ ધપાવતા જ રહ્યાં, જ્યાં સુધી પ્રોડક્ટ સરળતાથી ઍક્સેસિબલ અને લોકોને સમજવામાં સરળ ન થઈ.

એટલે તમને સેવામાં ભરપૂર સુધારણા કરવા માટે UXમાં સંશોધને ઘણી સહાયતા કરી?

Micklitz: ડેવલપમેન્ટની પ્રક્રિયામાં તે ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હા એમ જ, ઉદાહરણ તરીકે, જ્યારે અમે Inactive Account Manager પર કામ કરી રહ્યાં હતા, જે હવે Google એકાઉન્ટનો જ ભાગ છે. જો વપરાશકર્તાઓ કોઈ ચોક્કસ સમયગાળા માટે નિષ્ક્રિય રહ્યાં હોય, તો આ સુવિધા વડે તેઓ પોતાના ડેટાનું શું કરવું તે અગાઉથી નક્કી કરી શકે છે. આ પ્રોડક્ટ સાવ નવી હતી, અમારા કોઈપણ પ્રતિસ્પર્ધીઓએ આવી પ્રોડક્ટ ક્યારેય રજૂ કરી ન હતી. તેથી અમે એક પ્રોટોટાઇપ ડેવલપ કર્યો, તેનું પરીક્ષણ કર્યું અને બીજો પ્રોટોટાઇપ બનાવ્યો. અમારા વપરાશકર્તાઓ દ્વારા જેને બહોળો આવકાર આપવામાં આવ્યો છે, તે પ્રોડક્ટ પર પહોંચતા પહેલાં અમે ડેવલપમેન્ટ પ્રક્રિયાની અસંખ્ય સાઇકલમાંથી પસાર થયા છીએ.

જ્યારે તમારા સંશોધનના પરિણામે નક્કર ફેરફારો ઘડાય, ત્યારે તેનાથી વધુ સંતોષકારક કંઈ હોઈ શકે નહીં.

De Booij: એ જ તો આ કામની વિશેષતા છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે વપરાશકર્તાઓની જરૂરિયાતો ઓળખવામાં આવે.

ફોટોગ્રાફ: Conny Mirbach

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.

વધુ જાણો