"ડેટાની સુરક્ષા જટિલ ન હોવી જોઈએ."
વર્ષ 2019થી, મ્યુનિકમાં Google Safety Engineering Center (GSEC) ખાતે Google ઇન્ટરનેટ પર ડેટાની પ્રાઇવસી અને ડેટાની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સાઇટ લીડ વિલૅન્ડ હોફેલ્ડર GSEC ખાતેના નવીનતમ વિકાસ કાર્યો, તેમની ટીમની કાર્ય પદ્ધતિઓ અને ડિજિટલ શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે મ્યુનિકની સ્થિતિ વિશે ચર્ચા કરે છે.
ડૉ. હોફેલ્ડર, વર્ષ 2019માં મ્યુનિકમાં Google Safety Engineering Center અથવા ટૂંકમાં GSECની શરૂઆત થઈ. સેન્ટરમાં શું થાય છે?
GSEC એ Googleનું પ્રાઇવસી અને સુરક્ષા એન્જિનિયરિંગનું વૈશ્વિક હબ છે. આ જ સ્થાન છે જ્યાં અમે ઇન્ટરનેટ સુરક્ષા બહેતર બનાવવા માટે નવી પ્રોડક્ટ ડેવલપ કરીએ છીએ, વપરાશકર્તાની જરૂરિયાતો ઓળખીએ છીએ અને અમારા ભાગીદારો સાથે અમારું જ્ઞાન તથા કાર્ય શેર કરીએ છીએ.
જર્મનીમાં ડેટા અંગે પ્રાઇવસી અને સુરક્ષા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અહીં Google Safety Engineering Centerની સ્થાપના કરવામાં એ સ્થાનિક પરંપરા કેટલી મહત્ત્વપૂર્ણ હતી?
ઘણી મહત્ત્વપૂર્ણ હતી. એ સંયોગ નથી કે અમે યુરોપના હાર્દ સમા વિસ્તારમાં ડેટા અંગે પ્રાઇવસી અને સુરક્ષા માટે ડેવલપમેન્ટ ટીમો સેટઅપ કરી. યુરોપિયનો ઑનલાઇન પ્રાઇવસી તથા સુરક્ષા વિશે કેવી રીતે વિચારે છે તે યોગ્ય પ્રદર્શિત કરવું એ જર્મનીમાં લાંબા ગાળાની પરંપરા રહી છે, તેથી જ્યારે અમે મ્યુનિકમાં પહેલી વાર Google Engineeringની ઑફિસ ખોલી, ત્યારે તે અમે અહીં સ્થાપેલી ટીમોમાંની પહેલી હતી. મ્યુનિકમાં આ ટીમો ડેવલપ કરવાના દસ વર્ષ પછી, અમારે કાર્યક્ષેત્ર વિસ્તારવું હતું, વિવિધ બૅકગ્રાઉન્ડમાંથી આવતા વપરાશકર્તાઓ તથા મુખ્ય સ્ટેકહોલ્ડરો સાથે સંવાદ શરૂ કરવો હતો અને તેમની સાથે સંકળાવું હતું. તેથી જ, મ્યુનિકમાં GSECની સ્થાપના કરવામાં સમજદારી હતી, કારણ કે તે આ સમસ્યાઓ પર ખૂબ ધ્યાન આપે છે. અમે કાર્ય કરીને ખાતરી કરીએ છીએ કે અમારી બધી પ્રોડક્ટ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR)ની બધી આવશ્યકતાઓનું પાલન કરે. આ જ્ઞાન અને જાગરૂકતા અન્ય દેશોમાં પણ ફેલાય છે. હકીકતમાં, ડેટા અંગે પ્રાઇવસી અને સુરક્ષા સમગ્ર વિશ્વમાં વધુને વધુ ધ્યાન મેળવી રહી છે.
GSEC એ 40થી વધુ વિવિધ દેશોના કર્મચારીઓ સાથે કાર્ય કરવાનું આંતરરાષ્ટ્રીય સ્થાન છે.
આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ માટે કાર્ય કરવાનો અર્થ છે કે અમારા અભિગમમાં વિવિધતા હોવી જરૂરી છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે અમારા કર્મચારીઓ અમારા વપરાશકર્તાઓનું મહત્તમ પ્રતિનિધિત્વ કરે. છતાં, અમે અત્યારે જ્યાં હોવા જોઈએ તેનાથી ઘણાં દૂર છીએ અને અમે વિવિધતાસભર ટીમોની રચના કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેમાં લાંબા ગાળાના લક્ષ્ય તરીકે જાતિ તથા તેનાથી વિશેષ બાબતોનો સમાવેશ થાય છે, દા.ત. કમ્પ્યુટર વિજ્ઞાનમાં મહિલાઓને શિષ્યવૃત્તિઓ આપવી અથવા મહિલા વિદ્યાર્થીઓને સહકાર આપવા માટે માર્ગદર્શક કાર્યક્રમ માટે અમારા સ્થાનિક વિશ્વવિદ્યાલય સાથે ભાગીદારી કરવી.
GSEC ખાતે સામાન્ય દિવસ કેવો હોય છે?
અમારા 200થી વધારે પ્રાઇવસી એન્જિનીયરો છે જેઓ દરરોજ Google એકાઉન્ટ અને Google Chrome બ્રાઉઝર જેવી Google પ્રોડક્ટ પર કાર્ય કરે છે. અમે રસ ધરાવતાં લોકો માટે કાર્યશાળાઓ પણ ચલાવીએ છીએ, જેમાં સુરક્ષા પ્રશિક્ષણનો અને ડિફરન્શિયલ પ્રાઇવસી કોડલૅબ્સ જેવી ઇવેન્ટનો સમાવેશ થાય છે. આ મારા માટે સવિશેષ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે કાર્યવિસ્તારમાં અતિ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે અને અમે ઇન્ટરનેટ સુરક્ષા વિષયે વધુ માહિતી આપવા ઇચ્છીએ છીએ.
ઇન્ટરનેટના વપરાશકર્તાઓ જેનો દૈનિક ધોરણે સામનો કરતાં હોય છે તેના વિશે તમે શું કરો છો?
જો તમે Google પ્રોડક્ટનો ઉપયોગ કરતા હો, તો કદાચ તમને આશ્ચર્ય થયું હશે કે તમારા પોતાના માટે બહેતર શોધ પરિણામો આપવા માટે ક્યા પ્રકારના ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. બધી જ વિવિધ પ્રોડક્ટ પર Google તમારા માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે તે માટે, Google એકાઉન્ટ તમારી માહિતી, પ્રાઇવસી અને સુરક્ષાને મેનેજ કરવામાં તમારી સહાય કરે છે. ઍક્ટિવિટી કન્ટ્રોલ અને જાહેરાત સેટિંગ જેવા નિયંત્રણો તમને એ નિર્ણય કરવા દે છે કે આખું Google તમારા માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે એ માટે તમારા અનુભવને મનગમતો બનાવવા માટે કયા ડેટાનો ઉપયોગ કરે. આ હેતુ માટે, અમે પ્રાઇવસી ચેકઅપ ડેવલપ કરી છે, જેના થકી તમે તમારા Google એકાઉન્ટમાં તમારી પ્રાઇવસીની પ્રાધાન્યતાઓ ઝડપથી સેટ કરી શકો છો. Chrome અને Android માટે, અમે Password Manager સુવિધા ડેવલપ કરી છે, જે દરેક વેબસાઇટ માટે, માંગ અનુસાર, આપમેળે, પાસવર્ડ બનાવે છે અને સ્ટોર કરે છે. વપરાશકર્તાઓ સુરક્ષાની સમસ્યાઓ માટે તેમના પાસવર્ડનું વિશ્લેષણ કરવા માટે પાસવર્ડ ચેકઅપ સુવિધાનો ઉપયોગ પણ કરી શકે છે. અમને જાણવા મળેલા ડેટા ઉલ્લંઘનમાં તેમના પાસવર્ડ સાથે ચેડાં થયાં છે કે નહીં તે વિશે તેઓ જાણી શકશે. ત્યારબાદ તેમને પાસવર્ડ કઈ રીતે બદલવો તેની સૂચનાઓ આપવામાં આવે છે. GSEC દ્વારા પાસવર્ડની સુરક્ષાના આ ટૂલ વિશે કરવામાં આવેલા કાર્ય માટે મને સવિશેષ ગર્વ છે.
શું તમે તેનું કારણ જણાવી શકશો?
ફિશિંગ વેબસાઇટ, Password Manager સાથે કપટ કરી શકતું નથી અને તમે દરેક વેબસાઇટ માટે નવો તથા સશક્ત પાસવર્ડ બનાવી શકો છો, જેને તમારે પોતે યાદ રાખવાની જરૂર નથી. જેના લીધે હૅકર્સ પાસવર્ડની કલ્પના કરી શકતા નથી – અને જે તમને એક જ પાસવર્ડને એકથી વધુ સાઇટ પર ઉપયોગમાં લેવાથી રોકે છે.
પણ તેમ કરવામાં શું ખોટું છે?
માનો કે, મેં મારી પત્ની માટે કોઈ વેબસાઇટ પર ફૂલોનો ઑર્ડર આપ્યો અને મારા ગ્રાહક એકાઉન્ટ માટેનો પાસવર્ડ, કે જે હું બીજે ઉપયોગમાં લેતો હોઉં તે, ઉતાવળે દાખલ કરી દીધો. જો હૅકર્સ ફૂલની દુકાનના સર્વરની પહોંચ મેળવી લે અને આ પાસવર્ડનો કબ્જો મેળવી લે, તો તેઓ ઝડપથી જાણી શકે કે કદાચ એ જ પાસવર્ડનો ઉપયોગ હું મારા ઇમેઇલ એકાઉન્ટ કે મારા Google એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે કરું છું કે નહીં. વધુમાં, તેઓ મારા બીજા એકાઉન્ટ માટે નવા પાસવર્ડ બનાવી શકે છે. Password Manager થકી દરેક સાઇટ માટે સશક્ત તથા અનન્ય પાસવર્ડ આપમેળે બનવાને કારણે તમે ઑનલાઇન સુરક્ષિત રહો તે સુનિશ્ચિત કરે છે.
“આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ માટે કાર્ય કરવાનો અર્થ છે કે અમારા અભિગમમાં વિવિધતા હોવી જરૂરી છે.”
Google ખાતે એન્જિનીયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ અને સાઇટ લીડ ડૉ. વિલૅન્ડ હોફેલ્ડર
લઈ શકાય તેવાં હજુ વધારે સુરક્ષિત પગલાં છે?
હા, જો તમે Google એકાઉન્ટ ધરાવતા હો, તો તમે બે-પરિબળ પ્રમાણીકરણનો ઉપયોગ કરી શકો. તેનો અર્થ છે કે તમે જ્યારે પણ નવા ડિવાઇસમાં તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો, ત્યારે અમે તમને ફોનમાં મોકલીએ તે કોડનો ઉપયોગ તમારે કરવો પડશે. તેથી, જો વિદેશમાંથી કોઈ વ્યક્તિ તમારો પાસવર્ડ હૅક કરે, તો પણ તમારું એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે તેમને પેલા બીજા પરિબળની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, હું મારા એકાઉન્ટમાં એટલી બધી મૂલ્યવાન માહિતી ઑનલાઇન ધરાવું છું કે પેલી સુરક્ષા વિના મને રાત્રે ઊંઘ આવવી મુશ્કેલ હતી.
તમે GSEC ખાતે આવા પ્રકારની નવી પ્રોડક્ટ ચોક્કસ કઈ રીતે બનાવો છો?
ઉદાહરણ તરીકે, અમે લોકોને અમારી "વપરાશકર્તા અનુભવ સંશોધન લૅબ"માં પધારવાનું કે ઑનલાઇન ઇન્ટર્વ્યૂ માટે હાજર રહેવાનું આમંત્રણ આપીએ છીએ, જેથી અમે જાણી શકીએ કે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરે છે અથવા તેઓ વસ્તુઓ કેવી રીતે શોધે છે. આનાથી અમને એ સમજવામાં સહાય મળે છે કે પોતાની પ્રાઇવસીની પ્રાધાન્યતાઓ વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે સામાન્ય રીતે તેમને કયાં ટૂલ અને કઈ સહાયની જરૂર પડે છે. અમે લોકોને આ પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ, "તમે અલગ કૌટુંબિક સભ્યો સાથે Chrome બ્રાઉઝરનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના વિશે અમને જણાવી શકશો?" અને અમે તેમને અમારી પ્રોડક્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાનું કહીએ છીએ, જેથી તેઓ તેને કેવો પ્રતિભાવ આપે છે તેનું અમે મૂલ્યાંકન કરી શકીએ. આ જાણકારીઓ બહુ મહત્ત્વની છે કારણ કે તે અમને એ સમજવામાં સહાય કરે છે કે અમારી માહિતી યોગ્ય સ્થાને મૂકાઈ છે કે નહીં અને ઇન્ટરફેસ તથા બટનો ઉપયોગી છે કે નહીં. આનાથી અમે અમારી પ્રોડક્ટ અમારા વપરાશકર્તાઓની જરૂરિયાતો સાથે મેળ ખાતી હોવાનું સુનિશ્ચિત કરી શકીએ છીએ. અમારી ફિલોસોફી એ છે કે વેબ પર સુરક્ષા અનુભવવા માટે તમારે સુરક્ષાના નિષ્ણાત હોવું જરૂરી ન હોવું જોઈએ.
અન્ય બાબતોમાંની એક બાબત એ છે કે તમે હાલમાં ત્રીજા પક્ષની કુકીનો વપરાશ નાબૂદ કરવા વિશે કાર્ય કરી રહ્યા છો. કુકી એટલે શું?
જ્યારથી ઇન્ટરનેટ આવ્યું છે ત્યારથી જ કુકી પણ અસ્તિત્વ ધરાવે છે. આ એવી નાની ફાઇલો હોય છે જેનો વેબસાઇટ પ્રદાતાઓ કમ્પ્યુટર પર સ્થાનિક સ્તરે માહિતીને સ્ટોર કરવા માટે ઉપયોગ કરે છે. કુકી હજુ પણ ઇન્ટરનેટ પર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે, પહેલા પક્ષની કુકીનો ઉપયોગ તમને ઑનલાઇન એકાઉન્ટમાં લૉગ ઇન થયેલા રાખવા માટે અથવા ઇ-કૉમર્સ વેબસાઇટ પર શૉપિંગ કાર્ટનું સંચાલન કરવા માટે થાય છે. ત્રીજા પક્ષની કુકી પણ હોય છે, જેના થકી સંબંધિત જાહેરાત બતાવી શકાય છે. ત્રીજા પક્ષની કુકી તમે વિશેષ પ્રોડક્ટની ઑનલાઇન શોધ કરી છે તે પણ રેકોર્ડ કરી શકે છે. તેથી, કુકી નોંધી શકે છે કે તમે એક સાઇટ પર બૅકપૅક શોધી રહ્યા છો અને પછી તમને બીજી સાઇટ પરથી સમાન બૅકપૅકની જાહેરાત બતાવી શકે છે.
તેવું શા માટે?
ઇન્ટરનેટ ખુલ્લું અને મોટે ભાગે નિઃશુલ્ક પ્લૅટફૉર્મ છે. વેબસાઇટ થકી જે પ્રસ્તુત થાય છે તેને પ્રાથમિક રૂપે જાહેરાત દ્વારા ભંડોળ મળતું હોય છે અને જાહેરાત જેટલી વધુ સુસંગત હોય એટલા જ વપરાશકર્તાઓ તથા પ્રદાતાઓ લાભાન્વિત થાય છે.
ત્રીજા પક્ષની કુકી થકી વપરાશકર્તાઓનું હલનચલન ઑનલાઇન ટ્રૅક કરી શકાય છે. તમે આને ભવિષ્યમાં અટકાવવા માટેની પદ્ધતિઓ પર હાલમાં કાર્ય કરી રહ્યા છો. શું તે સાચું છે?
હા, અમે હાલમાં "પ્રાઇવસી સૅન્ડબૉક્સ" ડેવલપ કરી રહ્યાં છીએ, જેથી ભવિષ્યમાં જાહેરાતકર્તાઓ મારી કુકી મારફત મને ઓળખી નહીં શકે. સમગ્ર વેબ સમુદાયમાં વ્યાપક જાગરૂકતા છે કે ત્રીજા પક્ષની કુકી વપરાશકર્તાની અપેક્ષાઓ પૂરી કરતી ન હતી. વપરાશકર્તાઓ બહેતર પ્રાઇવસીની માંગ કરે છે -જેમાં તેમના ડેટાનો કઈ રીતે ઉપયોગ થાય છે તેના વિશે પારદર્શકતા, પસંદગી અને નિયંત્રણનો સમાવેશ થાય છે- અને સ્પષ્ટ છે કે આ માંગ પૂરી કરી શકાય તે માટે વેબ ઇકોસિસ્ટમ વિકસે તે જરૂરી છે. ક્રૉસ-સાઇટ ટ્રૅકિંગ સમાપ્ત કરવા માટે, જરૂરી છે કે વેબ ત્રીજા પક્ષની કુકીથી અને બ્રાઉઝર ફિંગરપ્રિન્ટ જેવી અન્ય છાની ટેક્નિકથી દૂર જાય. પણ ગત 30થી વધારે વર્ષથી, ઘણી મુખ્ય વેબ કાર્યક્ષમતાઓ પણ એ સમાન ટેક્નિક પર આધાર રાખતી થઈ ગઈ છે. અમે નથી ઇચ્છતાં કે વેબ ગંભીર કાર્યક્ષમતાઓ ગુમાવે, જેમ કે પ્રકાશકોને તેમના વ્યવસાય વધારવામાં સહાય કરવી અને વેબની શાશ્વતતા જાળવવી, કન્ટેન્ટના વૈશ્વિક ઍક્સેસને સુનિશ્ચિત કરવો, લોકોને તેમના ડિવાઇસ પર શ્રેષ્ઠ અનુભવ આપવો, બૉટથી અને ઠગોથી વાસ્તવિક લોકોને જુદા પાડવા અને બીજી ઘણી. પ્રાઇવસી સૅન્ડબૉક્સ ઓપન સૉર્સ પહેલ માટેનું અમારું લક્ષ્ય છે વપરાશકર્તાઓ માટે વેબને વધુ ખાનગી અને સુરક્ષિત બનાવવું અને સાથે-સાથે પ્રકાશકોને પણ સપોર્ટ આપવો.
Google કઈ રીતે સમસ્યા ઉકેલે છે?
પ્રાઇવસી સૅન્ડબૉક્સ પહેલના ભાગ રૂપે, અમે વેબ સમુદાય સાથે કાર્ય કરી રહ્યાં છીએ, જેથી એવી નવી ટેક્નોલોજી ડેવલપ કરી શકાય જે વપરાશકર્તાની માહિતીને ખાનગી રાખે અને ફિંગરપ્રિન્ટિંગ જેવી અતિક્રમણ કરનારી ટ્રૅકિંગ ટેક્નોલોજીને ટાળે, સાથે સાઇટને ઉપયોગી જાહેરાતો પ્રદાન કરવા માટે અને તેમના વ્યવસાયને ભંડોળ મળે તે માટે એક પદ્ધતિ આપે. આ વર્ષની શરૂઆતના સમયમાં, અમે Topics APIની સમીક્ષા કરી, કે જે રુચિ આધારિત જાહેરાત માટે નવી પ્રાઇવસી સૅન્ડબૉક્સ રજૂઆત છે અને પ્રતિસાદના નિયમનકારીઓ, પ્રાઇવસીના તરફદારો અને ડેવલપર પર આધારિત FloCનું સ્થાન લે છે. તેના થકી જાહેરાતકર્તાઓ બધાં વપરાશકર્તાઓ માટે પ્રાઇવસી માટે સૌથી વધુ સુરક્ષિત રીતે, લોકોને તેમની રુચિ અનુસાર, જેમ કે તેમણે મુલાકાત લીધેલી વેબસાઇટમાંથી "રમતગમત" તારવીને, સંબંધિત જાહેરાતો બતાવી શકે છે. ભૂતકાળમાં વપરાશકર્તાઓની ઓળખ કરવા માટે કુકીનો ઉપયોગ થયો છે, પણ Topicsની પાછળનો વિચાર છે કે તમારો વ્યક્તિગત બ્રાઉઝિંગ ઇતિહાસ તમારા બ્રાઉઝર કે તમારા ડિવાઇસની બહાર ન જાય અને તેને જાહેરાતકર્તાઓ સહિત અન્ય કોઈની પણ સાથે શેર કરવામાં ન આવે. આનો અર્થ છે કે જાહેરાતકર્તાઓ સંબંધિત જાહેરાતો તથા કન્ટેન્ટ આપવાનું ચાલુ રાખી શકે છે અને તે માટે તેમણે સમગ્ર વેબને ટ્રૅક કરવાની જરૂર નથી.
અમે પ્રાઇવસી સૅન્ડબૉક્સ માટે FLEDGE અને માપન APIs સહિત અન્ય રજૂઆતો વિશે પણ ઉત્તમ પ્રગતિ કરી રહ્યાં છીએ અને યુકેની કૉમ્પિટિશન ઍન્ડ માર્કેટ્સ ઑથોરિટી (CMA) સાથે સહયોગ ચાલુ રાખી રહ્યાં છીએ જેથી સમગ્ર ઇકોસિસ્ટમ માટે કાર્ય કરે તેવી રીતે રજૂઆતોની રચના કરવાનું સુનિશ્ચિત કરી શકાય.
તાજેતરના વર્ષોમાં, મ્યુનિક ડિજિટલ સ્ટાર્ટ-અપ અને અન્ય ટેક કંપનીઓ માટે લોકપ્રિય સ્થાન બની ગયું છે. તેની તમારા Google મ્યુનિકના સાઇટ લીડ તરીકેના અનુભવ પર કેવી અસર થઈ છે?
મ્યુનિક નોંધપાત્ર પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. Apple, Amazon અને Google અહીં તેમના રોકાણો કરે છે અને સંચાલનો વિસ્તારે છે, સાથે-સાથે અન્ય ઉત્તમ કંપનીઓ પણ છે જેમ કે યુનિકોર્ન કંપની Celonis, જે ડેટાનું વિશ્લેષણ કરવાની સેવાઓ આપે છે. અન્ય કોઈ સ્થાન કરતાં અહીં ઉચ્ચતર પ્રમાણમાં B2B કંપનીઓનું સેટઅપ થયું છે કારણ કે આ પ્રદેશમાં અન્ય ઘણાં શક્તિશાળી ટેક વ્યવસાયો છે. અમારી પાસે કેટલાક શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયો પણ છે, જેમ કે LMU અને TUM જે સ્થાનિક ઉદ્યોગસાહસિકતાના કેન્દ્રોનું સંચાલન કરે છે. વધુમાં, બવેરિયાની રાજ્ય સરકાર તેના "હાઇ-ટેક-અજેન્ડા" થકી અમૂલ્ય સપોર્ટ આપી રહી છે. ઉદાહરણ તરીકે, અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વૉન્ટમ કમ્પ્યુટિંગમાં વિશાળ રોકાણ જોઈ રહ્યાં છીએ - જે ઘણું શ્રેષ્ઠ કહી શકાય. એન્જિનીયરિંગ તથા ટેક્નોલોજીમાં લાંબા ગાળાની પ્રાદેશિક પરંપરા અને નિપુણતા ઉપરાંત, તેની સશક્ત આર્થિક સ્થિતિ, સારો રાજકીય સપોર્ટ, શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ અને ઉચ્ચ ગુણવત્તાવાળી જીવનશૈલી - આ બધાં વિજયદાતા પરિબળો મ્યુનિકને આવું શ્રેષ્ઠ સ્થાન બનાવે છે.
મ્યુનિકમાં નવી Google ઑફિસોનું બાંધકામ ચાલી રહ્યું છે. કોરોના વાયરસ થકી ફેલાયેલા વૈશ્વિક રોગચાળાને કારણે તમારી યોજનામાં કોઈ ફેરફાર થયો છે?
વૈશ્વિક રોગચાળા પૂર્વે, અમે અમારો મોટા ભાગનો સમય ઑફિસમાં પસાર કરતાં, જ્યાં ઘણાં કાફે છે, મીટિંગ રૂમ અને રેસ્ટોરન્ટ છે, જેમાં કર્મચારીઓ રૂબરૂ મળે છે અને સાથે મળીને રચના કરે છે. દેખીતું છે કે વૈશ્વિક રોગચાળા દરમિયાન આ પ્રકારની કાર્યશૈલીમાં નોંધપાત્ર ફેરફાર થયા અને હવે અમે ગત વર્ષે શીખેલી અનેક બાબતોને અમારા નવા તથા રોમાંચક Arnulfpost પ્રોજેક્ટની યોજનામાં સમાવી રહ્યાં છીએ.
દૂર રહીને કાર્ય કરવાથી એ જ પ્રકારનું વાતાવરણ રચી શકવાની શક્યતા છે?
અમારી કંપની ક્લાઉડમાં જન્મી, ક્લાઉડમાં વિકસી અને અમે સૌ ક્લાઉડમાં જીવીએ છીએ. તેથી જ, અમે સ્ટાફને બ્રેકફાસ્ટ મીટિંગમાં કે ઓપન વીડિયો કૉન્ફરન્સમાં ઑનલાઇન ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. જોકે, અમે માનીએ છીએ કે વર્ષોપરાંત અમે વિકસાવેલા અમૂલ્ય સામાજિક સંબંધોને પાર અમે હંમેશ માટે ન જઈ શકીએ. અમે ઘણાં લોકોને નિયુક્ત કર્યાં છે જેમણે હકીકતે હજુ અમારી ઑફિસમાં પગ મૂક્યો નથી. દરેક વ્યક્તિને પોતાની સાથે લઈને કાર્ય કરવું એ બધા મેનેજરો માટે હવે પડકાર છે.
વિશેષ કરીને મ્યુનિકમાં GSEC ખાતે જે રીતે ભવિષ્યમાં કાર્ય થશે તેના માટે આનો શો અર્થ છે?
અમે દૃઢતાથી માનીએ છીએ કે કાર્યસ્થળે લોકોને લાવવા એ મહત્ત્વપૂર્ણ છે, જેથી નવા રચનાત્મક વિચારો રજૂ કરવા માટેની જરૂરી નવીનતાસભર પ્રતિભા ઉદ્ભવી શકે, તેથી અમે 100 ટકા વર્ચ્યુઅલ સ્વરૂપે કાર્ય નહીં કરીએ. પણ અમે પોતાને પ્રશ્ન પૂછ્યો છે કે દરેક વ્યક્તિ માટે નિશ્ચિત કાર્યસ્થળ હોવું જરૂરી છે કે કેમ. અમારી સેલ્સ ટીમ તો લવચીકતાથી કાર્ય કરી જ શકે છે. અમારા ઘણાં એન્જિનીયરોના ટૂલ ક્લાઉડમાં ખસેડાઈ રહ્યાં છે. ભવિષ્યમાં, દરેક ટીમ પોતાના માટે નિર્ણય લઈ શકશે કે તેણે કેટલાં લવચીક અને કેટલાં નિશ્ચિત કાર્યસ્થળો રાખવાં છે. આજે અમે કાર્ય કરવાની નવી રીતો શોધી રહ્યાં છીએ અને તેના માટે વ્યવસ્થિત રીતે સંકલિત એવાં ડેસ્ક ઍલકેશન ટૂલ તેમજ સહયોગ કરવા માટે નવી સ્પેસ આપીએ છીએ જેના થકી ટીમો વધુ સશક્ત સેટઅપમાં અને વ્યક્તિની કાર્ય-સ્થાન સંબંધી પ્રાધાન્યતાઓ તથા શેડ્યૂલના આધારે સાથે મળીને કાર્ય કરી શકે.
ફોટા: સિમા દેહગનિ
સાઇબર સિક્યુરિટીમાં વિકાસ
વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.
વધુ જાણો